Saturday, July 10, 2010

માતા-પિતા ... 'માલિક' નહી પરંતુ 'હમસફર'

"...હું એમ માનું છું કે રસ્તે (હાઈ- વે પર) કારમાં જતા હોઈએ અને કોઈને લીફ્ટ આપીએ એ રીતે પૃથ્વી પર ઉતરાણ કરવા માગતા શિશુઓને કોઈ બે જણા પૃથ્વી પર ટપકી પાડવામાં લીફ્ટ આપે છે. લીફ્ટ આપનારને લોકો માબાપ કહે - લેનારને સંતાન ! જેમને લીફ્ટ આપી એ તેના આપણે 'માલિક' નહી -' હમસફર' ગણાઈએ ..."


           માનનીય શ્રી ગુણવંત શાહ ના આ શબ્દો મેં વાંચ્યા એટલે થયું કે અહી બધાની જોડે 'શેયર' કરું . એમણે જે કહેલું છે એ મારા મત મુજબ દુનિયા ના દરેક માતા પિતા એ સમજવાની જરૂર છે. મોટે ભાગે માતા પિતા પોતે પોતાના જે સપના પુરા ન કરી શક્ય હોય એના માટે એવો અભિગમ રાખતા હોઈ છે કે મારું આ સપનું મારો દિકરો કે દીકરી પૂરું કરશે.અને આમ જુઓ તો એમાં કઈ ખરાબી પણ નથી. મા-બાપ  હોવાને લીધે થોડીક આશાઓ બંધાવી તો સામાન્ય છે. પરંતુ એ સપનાઓને સંતાનો પર થોપવા ન જોઈએ. ઘણા માતા પિતા એવું જ માનતા હોય છે કે દુનિયામાં 'ડોક્ટર ' અને 'એન્જીનીઅર' સિવાય બીજા કોઈ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી જ ન શકાય.અને પછી આ જ મા-બાપ ટી.વી. પર કોઈ રીયાલીટી શો માં કોઈના દીકરા/દીકરીને  સરસ ડાન્સ કરતા  જોઇને બોલતા હોય છે કે "અરે, વાહ ! કેટલો સરસ ડાન્સ કરે છે!" અરે ભલા માણસ.... તમારા દીકરી/દીકરો પણ આમ જ ડાન્સ કરતા હોય તો જો એમણે જયારે ડાન્સ શીખવાની ઈચ્છા દર્શાવી હતી ત્યારે તમે જો એના સપનામાં તમારા સપનાઓને જો ભેળવી શક્યા હોત. પણ ના તમે તો એના માલિક બનીને ઓર્ડર આપ્યો કે તારે  'XYZ'  બનવાનું છે. જિંદગી પોતાની અને સપના બીજાના હોય ત્યારે આગળ વધવું થોડું મુશ્કેલ બની જાય છે.જો કે ઘણા લોકો મા-બાપ અને પોતાના  બંનેના સપનાઓને એક સાથે જીવી જાણે છે. પરંતુ દરેક લોકો માટે એ શક્ય નથી.આથી દરેક માતા-પિતાએ સંતાનો ના 'માલિક ' નહિ પરંતુ 'હમસફર' બનવાની કોશિશ કરવી જોઈએ. . . . :-)

Tuesday, June 22, 2010

રંગીલું રાજકોટ

        ગુજરાતનું આ શહેર રંગીલા રાજકોટના નામે જાણીતું છે અને એ યથાર્થ છે કારણ  કે  અહીના  લોકો  જિંદગીની  દરેક  પળને  જીવી  જાણવામાં  માને  છે.  એક  છોકરી  જેટલી  પોતાના  'લૂક'  પ્રત્યે  સભાન  હોય  એટલું  જ  સભાન  રાજકોટ  પોતાના  'લૂક' પ્રત્યે  છે  એમ  કહીએ  તો  નવાઈ  નહિ ! દિવસે  ને  દિવસે  અહી  બની  રહેલા  મોલ્સ , હાઈ રાઈઝ  બિલ્ડીંગો  અને  રસ્તાઓ  જાણે  કે  રાજકોટને પુરેપુરૂ  બદલી  જ  નાખશે .
 
        રંગીલા  રાજકોટના લોકોના  ફેવરીટ  લીસ્ટમાં  એક  નામ  કોમન  છે  અને  એ  છે  અહીના  FM રેડિયો  સ્ટેશન . સવારે  ઉઠીને ચા  પીતા-પીતા  સૌથી  પહેલું  કામ  લોકો  રેડિયો  ચાલુ  કરવાનું  કરે !! નાના  બાળકથી  લઈને  બુઝુર્ગોને  પણ  રેડિયો  પરના શોઝ  અને  તેમના  RJ ના  નામ  ખબર  હોય .

        રંગીલા  રાજકોટનું  હૃદય  એટલે  અહીનું  રેસકોર્સ  ! સવારે  ત્યાંથી  નીકળો  એટલે  કેટલાયે  જુવાનીયાઓ  કસરત  કરતા  અને  રમતો   રમતા  જોવા  મળે . યુવતીઓ  વોકિંગ  કરતી  જોવા  મળે . સાથે  સાથે  અમુક  કાકા -કાકી  પણ જોવા  મળે . (પણ  એ  કાકા  કાકી  કરતા  એમની  સાથે  આવતા  એમના  કુતરાનું  વજન  વધુ  ઊતરી ગયું  હોય !! :D ) આમ  તો  હૃદયના  ધબકારા  દરેક  પળે સરખા  જ  હોય  પરંતુ  રેસકોર્સના  ધબકારા  રાતે  બહુ  વધી  જાય . રસ્તા  ઉપર  બાઈકની અને  કારની  અવર -જવર  ખાસ્સી  વધી  જાય . ખાસ  કરીને  શનિ -રવિમાં કારણ  કે  અહીનું  ફન -વર્લ્ડ  બાળકોની  ફેવરીટ
જગ્યા  છે . (અને સાથે સાથે બાલભવન પણ ...)
 
        રાજકોટના  લોકો  ખાવાના  પણ  એટલા  જ   શોખીન  છે . વરસાદ  પડ્યો  નથી  કે  તરત  જ  બધા  ભજીયા  ખાવા  દોડશે . 'મયુર'ના  ભજીયા  અહીના  લોકોના  ફેવરીટ . આ  સિવાય  વણેલા  ગાંઠિયાનું  પણ  અહી  એટલું  જ  રાજ  ચાલે  છે !અને  સમોસા,ગોલા,આઇસ-ક્રીમ  અને  સાત  પાણી  વાળી પાણીપુરી તો  ખરી જ!!! રસ્તા  ઉપર  ઊભેલી  રેકડી  હોય  કે   પછી   દુકાન  બધી જગ્યાએ   ભીડ જોવા  મળે .
       અહીની  ફૂલોની  દુનિયા  પણ  એટલી  જ  રંગીલી  છે . વહેલી  સવારે  પટેલવાડી  તરફ  જશો  તો  વચ્ચે  પૂલ  પાસે  ફૂલોનું  ધોમ  વેચાણ  થતું  જોવા  મળશે . એ  જોઇને  જ  ખબર  પડે  કે  રાજકોટ  ફૂલોનું  કેટલું  દીવાનું  છે !!!

જો  કે  રાજકોટની  રંગતાતાનો  લ્હાવો  વાંચીને  નહિ  પણ  રૂબરૂ  લેવામાં  જ  ખરો  આનંદ  છે !!!. અહી આવશો તો રાજકોટના રંગે રંગાઈ જશો એ પાક્કું ...!!!  :-)

Friday, May 7, 2010

બચપણ ને બચાવો ...!!!

              આજકાલ સ્કૂલના બિલ્ડીંગ જોઇને અફસોસ થાય છે કે કિતાબી જ્ઞાન કેટલું મહત્વનું થઇ ગયું છે. સ્કૂલની શરૂઆત દરવાજાથી થાય અને થોડે આગળ જતા જ ફી ભરવાનું કાઉન્ટર આવે. (પૈસા આપો તો અમે ભણાવીએ !!!)પછી ક્લાસરૂમ ની હારમાળા ચાલુ થાય. (૪૦ વિદ્યાર્થીઓ ની જગ્યામાં ૫૦ ભણતા હોય ) અને પછી બીજો દરવાજો આવે બહાર નીકળવા માટે. બસ આ છે  આજની  સ્કૂલ!!! 

               પહેલા કોઈ વિદ્યાર્થીને એની ફેવરીટ ગેમ વિષે પૂછવામાં આવતું  તો એમાં આંઉટડોર ગેમ ના નામ તો સંભાળવા મળતા જ પણ હવે તો વિદ્યાર્થીઓને ઇન્ડોર ગેમમાં જ રસ રહ્યો છે. કબડ્ડી, લંગડી જેવી ગેમ રમતા આવડે કે ના આવડે પણ કોમ્પ્યુટરમાં કેટલી ગેમ છે અને એમાંથી કઈ ગેમ સારી છે એની બધી માહિતી હોય.(વળી ઈન્ટરનેટ પર કઈ ગેમ સારી છે એની માહિતી અલગ પાછી!!!)

હવે આ વાતમાં વાંક કોનો ?

માતા-પિતાનો ? કે  જેઓ  પોતાના સંતાનના માનસિક વિકાસ પ્રત્યે જ  જાગૃત છે . જેઓ પોતે જ સંતાનને "virtual world"  વિશે માહિતી આપે છે. અને તેને "virtual world" માં જીવતા શીખવાડે છે. વર્કિંગ પેરેન્ટ્સ આને એક safe રસ્તો મને છે , બાળકો ઘરમાં કોમ્પ્યુટર પર બેસીને રમ્યા કરે તો કોઈ એમનું ધ્યાન રાખવા હોય કે ના હોય વાંધો નહિ, બહાર રમવા જાય તો ઘરેબાળકો સમયે આવી ગયા કે નહિ એનું ધ્યાન કોણ રાખે ?

 કે પછી વાંક આજકાલ થઇ રહેલ  પ્રગતિનો ??

માતા-પિતા એમના બાળકોને એવી સ્કૂલમાં ભણાવવા તો માંગે છે કે જ્યાં રમત-ગમત પર પણ ભણતર જેટલું જ ધ્યાન અપાતું હોય પરંતુ એવી સ્કૂલો બહુ ઓછી છે. અને પોતાનું બાળક બીજા બાળકો સાથેની કોમ્પીટીશનમાં પાછળ ના રહી જાય એટલા માટે મને- કમને  ભણતર પર ધ્યાન આપતી સ્કૂલ માં જ પોતાનું બાળક ભણે એવી ઈચ્છા રાખે છે.

પણ આ બધી વાતોની  અંતે તો કોઈ નું  બચપણ છીનવાઈ જાય છે........

Sunday, April 4, 2010

અમદાવાદની લટારે

ગુજરાતનું સૌથી જાણીતુ શહેર એટલે અમદાવાદ! તમે એને મીની મુંબઈ પણ કહી શકો. દિવસે ને દિવસે એની શેરીઓની સંખ્યા વધતી જ જાય અને સાથે રસ્તાઓ પણ કોયડા જેવા બનતા જાય. હા,મારા નાના અમથા મગજ માટે એ યાદ રાખવા બહુ અઘરા હતા. સાચું સમજ્યા મારા શૈશવની યાદો એ રસ્તાઓમાં અટવાયેલી છે.કક્કો બારાખડી અમદાવાદમાં શીખ્યા અને પહેલીવાર મારા શિક્ષિકાના હાથે ફુટપટ્ટીનો માર પણ ત્યાં જ ખાધો. આમ કહુ તો અમદાવાદ એ ઉત્સવપ્રેમીઓનું નગર છે.બધા ઉત્સવો ત્યાં બહુ હોંશે હોંશે ઊજવાય,પણ જે તહેવારોએ મારી યાદોમાં અમીટ છાપ છોડી હોય એવા તહેવારો બે છે. ઊતરાયણ અને નવરાત્રી.ઊતરાયણ માટે આમ તો અમદાવાદ વિશ્વમાં જાણીતું જ છે એના પતંગ મહોત્સવ માટે,પણ એમા પતંગ ઊડાડવાની ખરી મજા નહી. એની ખરી મજા તો અમદાવાદની શેરીઓમાં જ છે.ઊતરાયણની પરોઢનાં જ્યારે હજુ સૂરજે દર્શન પણ ન આપ્યા હોય ત્યાં તો આકાશ જુદી જુદી પતંગોનાં શણગાર સજી ચુક્યું હોય.જાણે કે નવી નવેલી દુલ્હનનાં સોળ શણગાર.સાથે સાથે ઘરની અગાસીઓ પણ શણગાર સજેલ હોય. એ કોન ખબર છે? અરે આ પતંગના મહાયુધ્ધના યોધ્ધાઓના!!!સૂરજ ભલે પ્રકાશ રેલાવતો થાકી જાય પણ આ પતંગરસિયાઓ ના થાકે!આખો દિવસ અગાસીઓ ધમધમતી રહે 'કાયપો છે','એ લપેટ','હુર્ર્રર....' અને સ્પીકરોમાં જોરશોરથી વાગતા ગીતોથી.પતંગ ચગાવવાની સાથે સાથે પકડવાની પણ એટલી જ મજા. જાણે આકાશમાથી પતંગોનો વરસાદ જ જોઈ લ્યો.અને આવી જ ક ઇ ક રન્ગીન હોય છે ત્યાની નવરાત્રી. એમાય અહીની ગબ્બર બનાવવાની પ્રથા અનોખી છે.શેરીના નાના બાળકો બધા માટીમાથી ડુન્ગરો બનાવી એની ઉપર જાતભાતના માતાજીના મન્દીર બનાવે, એની રોજ સાંજે પૂજા થાય.એ મન્દીરને નીત-નવીન રીતે શણગારે.નાના બાળકોની આ કલાની પણ દાદ દેવી પડે. અમદાવાદ જો નવરાત્રી પર જાવ તો આ ગબ્બરો જોવાનો લ્હાવો તો લેવો જ જોઇએ.આ જ કલાને લીધે મને અમદાવાદની નવરત્રી કૈક અનોખી લાગી. આમ તો અમદાવાદની યાદ આવતી જ રહે, ત્યાની બધી વસ્તુ અને તહેવારો અમદાવાદને MISS કરવા મજબૂર કરે એવી છે પણ આ બન્ને તહેવારોમા તો એની યાદ બહુ આવી જાય.

I MISS YOU,,, Ahmedabad......!!!